“હકારાત્મક અભિગમ હરાવશે કોરોના”
કોરોના.. કોરોના.. કોરોના.. ઘરમાં એકલા હોઈએ તો પણ પડઘા પડે! દેશમાં મેડિકલ ક્ષેત્રે સાધનોના અભાવને કારણે આજે હજારો લોકોને યોગ્ય અને સમયસર સારવાર નથી મળી શકતી અને એના કારણે આજે એક પછી એક માણસ પોતાનો જીવ ગુમાવી રહ્યો છે. હોસ્પિટલોમાં લાઈનો, સ્મશાન ગૃહે લાઈનો, મેડિકલમાં લાઈનો, ટેસ્ટિંગ કરાવવામાં લાઈનો.. જ્યાં જોઈએ ત્યાં આજે લાઈનો જ લાઈનો જોવા મળી રહી છે!

આજે મીડિયા જ એક એવું માધ્યમ છે જે હકીકતને આપણા ઘર સુધી પહોંચાડી રહ્યું છે બાકી દેશની સરકાર તો કેસનો સાચો આંકડો પણ છુપાવી રહી છે! આ બધું જોઈ જાણીને આજે આપણા હરેકના મનમાં એક ડર બેસી ગયો છે કે કોરોના.. કેટલો મોટો રોગ! જો કોરોનાને હકારાત્મક અભિગમ અને સાવચેતીથી જોવામાં આવે તો એ એક સામાન્ય રોગ છે!
આજે ઘણા ડોકટરોએ કોરોનાના નામે બિઝનેસ ખોલી દીધો છે. કોરોનાની બીજી લહેર ખૂબ ભયાનક અને ખતરનાક સાબિત થઈ રહી છે. કદાચ લોકોમાં ડર ના પ્રસરે એટલે સરકાર કેસના આંકડા પણ છુપાવે પણ સચ્ચાઈને કોઈ દિવસ આપણે દબાવી શકતા નથી!
વિશ્વવ્યાપી આ મહામારીએ પૃથ્વી પરની માનવમેદનીને આજે બેહાલ કરી નાખી છે. તેનાથી બચવા માટે વૈજ્ઞાનિકો અઢળક ગતકડા કરી રહ્યા છે અને એવામાં આજે રસીકરણ દ્વારા સંક્રમણ રોકવાનું પગલું દેશમાં ભરવામાં આવી રહ્યું છે! કદાચ આ પગલું સાર્થક નીવડે અને આ મહામારીને રોકવામાં મદદ કરે તો ભાગ્યશાળી બાબત છે.
આજે હોસ્પિટલોમાં સારવાર લેવા માટે બેડ નથી મળી રહ્યા અને જ્યાં જોઈએ ત્યાં નજર સામે ઉભી રહેતી ઓક્સિજનની ઘટ! આવામાં હું મારું જ ઉદાહરણ આપુ તો, મેં મારા પરિવારના બે સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે. પહેલા મારા વેવાઈને કોરોના પોઝિટિવ આવ્યો અને બાદમાં મારા બેનને કોરોના પોઝિટિવ આવ્યો.. બંનેના મૃત્યુ બાદ હિંમત હારી જવાને બદલે અમે પૂરા પરિવારનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવ્યો અને પરિવારમાંથી ૬ લોકો પોઝિટિવ આવ્યા! થોડોક સમય તો હિંમત હારવાનું મન થઇ ગયું અને અલ્લાહના દરબારમાં જઈને રડવાનું મન થઇ ગયું પરંતુ આ બધું કરવાને બદલે અમે ઘરે જ નાનકડું આઇસોલેશન સેન્ટર ઉભુ કરી દીધું અને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ દવા લેવાનું શરૂ કર્યું. આ દવાઓ સાથે સાથે આયુર્વેદિક ઉકાળા તેમજ ગરમ પાણી, લીંબુ, આદુ, હળદર, સૂઠ, અજમા, કપૂરનું સેવન કર્યું તથા ગરમ પાણીમાં બામ નાખીને નાસ લેતા આમ પંદર દિવસ સુધી કોરોના સામે હિંમત દાખવીને અમે ત્રણ પરિવારો સંપૂર્ણ તંદુરસ્ત બન્યા. આ કાર્યમાં ઉનાની સરકારી હૉસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટરનાં ડૉકટર પંપાણીયા તેમજ સંજયભાઈ પ્રગતિબેન સહીતના સ્ટાફએ સતત માર્ગદર્શન આપીને આ કૉરોના સંક્રમણને હરાવવા હકારાત્મક વિચારો સાથે સારવારમાં મદદ કરી અને છ સભ્યોએ કોરોનાને હરાવ્યો છે.
એક બાજુ કોરોના અને બીજી બાજુ સારવારના નામે ચાલતી ઉઘાડી લૂંટ! કોરોના મહામારીના કારણે આજે આ દુનિયામાં માણસાઈ કેટલી વધી છે એનું પ્રમાણ સાબિત થઈ ચૂક્યું છે. હાલ પરિસ્થિતિ એટલી વણસી ચૂકી છે કે સામાન્ય નારિયેળના ૧૫૦-૨૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે જ્યારે બિચારો સામાન્ય માણસ લાચાર બનીને પોતાના પરિવારને સાજો કરવા માથે વ્યાજ પણ માથે ચડાવી લેવા તૈયાર થઈ જાય છે. મજૂરી કરતા ગરીબ લોકો દિવસના ૪૦૦-૫૦૦ રૂપિયે દાડી કરીને જીવનનું ગુજરાન ચલાવતા હોય અને જો એ લોકોને કોરોના નીકળે તો એ બિચારા જાય ક્યાં? દવાખાને દવાખાને આજે કીડીના ધણ રૂપે દર્દીઓ ઉમટી પડ્યા છે. નારિયેળ થી લઈને સીટી સ્કેન સુધીના આજે ચાર્જ આસમાને પહોંચી ગયા છે! મેડિકલ ક્ષેત્રે આજે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં આજે ૧૫૦૦૦ કેસ આવી રહ્યા છે અને તેની સામે હોસ્પિટલોમાં બેડ ઘટી રહ્યા છે તો શું કર્યું આપણી રાજ્ય સરકારે? ક્યાં ગયું મેડિકલ ક્ષેત્રે મંજૂર કરેલું બજેટ? ખુદ નેતાઓ આજે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતો હોય તો રાજ્યની પ્રજા ક્યાંથી સુખી થઈ શકે?
બીજું બાજુ આયુર્વેદિક ક્ષેત્ર કોરોનાની સારવારમાં ઘણું ઉપયોગી સાબિત થઇ રહ્યું છે પરંતુ હકીકત તો એ છે કે આયુર્વેદિક ક્ષેત્રને આગળ લાવવામાં આવે તો સરકારના ખિસ્સાના ભરણ નબળા પડી શકે છે! આજે માણસ કોરોનાથી ઓછું અને દવાખાના તથા સારવારના ખર્ચાથી ભાગી અને ડરી રહ્યો છે!
વ્હાઈટ કોલર ઈસ્ત્રી ટાઈટ રાખીને જે જે લોકો કાળા કામ કરી રહ્યા છે એને હવે શરમ અનુભવીને પીઠે હઠ કરવી જોઈએ. કારણ કે, ઈશ્વરનું આ રૌદ્ર સ્વરૂપ આપણા સૌના પાપને લીધે જ આવ્યું છે. હે માનવજાત! હવે પાપ કરવાનું છોડ.
કોરોનાથી ડરવાની જગ્યાએ યોગ્ય ડોકટરની સલાહ લઈએ અને આયુર્વેદિક નુસખા અપનાવીને પોતાનો જીવ બચાવીએ.
સાવચેત રહીએ, સલામત રહીએ.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ