
આખા જગતની નાણાં કે કરન્સી બજાર, તીવ્ર વેચવાલીના જોખમનો સામનો કરી રહ્યા છે. અમેરિકન ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ સખત નાણાનીતિ અપનાવીને છેલ્લા એક જ મહિનામાં ૯૫ અબજ ડોલર કરન્સી નોટનો પુરવઠો બજારમાંથી પાછો ખેંચી લીધો, તેને લીધે આ ઘટનાના તીવ્ર નકારાત્મક પ્રત્યાઘાત આખા વિશ્વમાં પડ્યા છે. અસંખ્ય ઇમર્જિંગ બજારોમાં કારન્સીને ઘટવાનું દબાણ સર્જાયું છે, ત્યારે તમામ એસેટ્સ ક્લાસ કોમોડિટીમાં ભાવ અફડાતફડી પણ વ્યાપક બની છે. જગતના તમામ દેશોમાં અમેરિકન ડોલર સામેની કરન્સી પ્રવાહિતાનો કોઈ મેળ નથી રહ્યો.
ભારતીય રૂપિયાને કરન્સી બજારમાં વેગથી નબળો પડતો બચાવવાના અભિયાનમાં, રિઝર્વ બેન્કે એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે નાણાં બજારની સ્થિતિ શું છે, વિદેશથી આયાત થતાં ફુગાવાની અસર કેવી રહેશે, એવી સ્થિતિમાં દેશમાં ડોલરની ભયંકર અછત સર્જાય તો મોટાપાયે ડોલર વેચવા બજારમાં ઊતરવું પડશે. અમેરિકન ડોલર સામે રૂપિયાએ ૮૨.૫૦નું તાર્કિક લેવલ ગુમાવી દીધું છે. આરબીઆઇ એ દેશને એ ખાતરી કરાવવાની છે કે અમારી ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વ બે વર્ષના તળિયે બેસી ગઈ હોવા છતાં હજુ મજબૂત છે. વિદેશી હૂંડિયામણ અનામતમાંથી રૂપિયાને ઓલ ટાઈમ લોથી વધુ નીચે જતો અટકાવવાના પ્રયાસમાં અત્યાર સુધીમાં ૧૧૦ અબજ ડોલર ખર્ચાઈ ગયા છે છતાં, એશિયાના ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્ર ભારતની અનામત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના પૂરા થયેલા સપ્તાહમાં ૪.૮૫ અબજ ડોલર ઘટીને ૫૩૨.૬૬ અબજ ડોલર રહી ગઈ હતી.
રૂપિયો સોમવારે ફરીથી રૂ. ૮૨.૮૩ના તળિયે ગયા પછી રૂ. ૮૨.૩૩ રહ્યો હતો. ટ્રેડરો કહે છે કે, રૂપિયાને વધુ પડતો નબળો થતો અટકાવવા રિઝર્વ બેન્ક, ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર સ્થિત એક સ્થાનિક બેન્ક મારફત એનડીએફ (નોન-ડીલીવરેબલ ફોરવર્ડ) માર્કેટમાં ડોલરનું વેચાણ કરી રહી છે. આ બજારમાં થતાં ઓક્શનમાં જુદા જુદા ભાવથી જે ટ્રેડર પોતાની વધારે બોલી બોલીને પ્રીમિયમ ઓફર કરે તેની બિડ સ્વીકારવામાં આવે છે.
રૂપિયો ઊંધેકાંધ પડી ના જાય તે હેતુથી ભારતીય રિઝર્વ બેન્ક, સ્પોટ અથવા ફોરવર્ડ માર્કેટમાં ડોલર વેચવા સીધે સીધી ઊતરતી નથી. આમ કરીને બજારમાં મોટાપાયે ઉથલપાથલ ના થઈ જાય તે પ્રકારે રૂપિયાને રક્ષણ આપવામાં આવે છે. બજાર મધ્યસ્થીની આ વાત બે બેન્કો અને મુંબઈ સ્થિત કરન્સી બ્રોકરોએ કાબુલી હતી. એક ખાનગી બેંકરે કહ્યું હતું કે આરબીઆઈ હવે ખૂબ વેગથી ડોલર વેચવાની સ્થિતિમાં નથી, જે ગત મહિનાઓમાં હતી. અલબત્ત, રૂપિયાને બચાવવા જે કઇ કરવામાં આવ્યું તેના કરતાં તે વધુ નકારાત્મક થયો છે, અને જાગતિક કરન્સી બજારને જોતાં તે કુદરતી પ્રક્રિયા પણ છે.
આ સંયોગમાં જો રૂપિયો બધુ વેગથી નબળો પાડવાનું ચાલુ રહેશે તો, વિદેશી ફુગાવાનું દબાણ આપણે ત્યાં પણ આવશે અને ભારતમાં ફુગાવો કાબૂ બહાર જતો રહેવાનો પણ ભય છે. એક ઉદાહરણથી સમજીએ, આરબીઆઇનો અભ્યાસ કહે છે કે ભૂતકાળમાં રૂપિયો પાંચ ટકા નબળો પડ્યો તે સાથે જ ફુગાવાદરમાં ૨૦ ટકા વૃધ્ધિ જોવાઈ હતી. મહત્વની વાત એ છે કે વેગથી નબળા પડતાં રૂપિયાને લીધે વિદેશી સંસ્થાગત રોકાણકારોનું સેન્ટિમેન્ટ વધુ ખરડાઇ શકે છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી