
ગુજરાત સરકારશ્રીના રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વનું આયોજન થયું હતું. જેમાં શહેરીજનો અનેકવિધ ભાતીગળ વારસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસતરબોળ થયા હતાં.

આ ‘પર્યટન પર્વ નિમિતે યુવા દિલોના ધબકાર ‘વ્હાલમ‘ જીગરદાન ગઢવીએ ‘મોગલ આવે…’ ‘રંગાઈ જાને રંગમાં..’ ‘વ્હાલમ..આવો ને’ જેવા ગીત પર સૂર રેલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા. જ્યારે સ્વર નટરાજ એકેડમી કચ્છ દ્વારા પરંપરાગત લોકનૃત્ય, નટરાજ ગૃપ રાજકોટ દ્વારા મિશ્રરાસ, તાલાળાના સીદી સમુદાય દ્વારા ધમાલ નૃત્ય, શક્તિપરા માલધારી રાસ મંડળ સુરેન્દ્રનગર દ્વારા હુડો રાસ તેમજ શિવશક્તિ આદિવાસી યુવક મંડળ મીરાખેડી દ્વારા ડાંગી નૃત્ય એમ ગુજરાતના વિવિધ નામાંકીત ગૃપો દ્વારા લોકનૃત્ય, રાસ, ગરબા કલાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ તમામ કલાને શહેરીજનોએ મનભરી માણી હતી.

આ તકે શાબ્દિક સ્વાગત જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી.મકવાણાએ કર્યુ હતું જ્યારે પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાએ કર્યુ હતું. ગુજરાતના પર્યટન સ્થળો પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તથા “પર્યટન પર્વ” સ્થળને વધુ ઉર્જાવાન બનાવવાની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી શકાય તેવા હેતુથી વેરાવળ ચોપાટી ખાતે આ પર્યટન પર્વની ઉજવણી થઈ હતી. આ તકે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી અને ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ ભાતીગળ વારસા અને લોકકલાને નિહાળવા કોડીનારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત અગ્રણીઓ, વિવિધ આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતાની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન