Sorath Ni Dharohar

News Channel of India

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોના કારણે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને વિદેશમંત્રી શ્રી એસ. જયશંકરના રાજદ્વારી પ્રયાસોની ફળશ્રુતિ રૂપે પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતાં. જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો વડોદરાથી બસ મારફત વતન વેરાવળમાં પહોંચ્યા હતાં.

મત્સ્યોદ્યોગ, પશુપાલન રાજ્યમંત્રીશ્રી અને ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, ફિશરીઝ કોલોની ખાતે માછીમારોને હારતોરા કરી આવકાર્યા હતા અને ક્ષેમકુશળ પૂછ્યા હતાં તેમજ મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

માછીમારોની વતનવાપસીથી પરિવારના હૈયામાં આનંદનો મહાસાગર ઘૂઘવ્યો હતો અને આપ્તજનોને ભેંટી પડતા પરિવારના લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. આ તમામ માછીમારોની વાઘા બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો વડોદરાથી બસ મારફતે વેરાવળ પરત પહોંચ્યા હતા. વતનની માટીની મહેક હૈયામાં ભરી મુક્ત થયેલા સાગરખેડૂઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારનો ઉમળકાભેર આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ૧૮૪ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો ઉપરાંત પોરબંદરના ૫, દેવભૂમિ દ્વારકાના ૨૨, જુનાગઢ, જામનગર, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.

આ તકે, જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયા, પ્રાંત અધિકારી શ્રી કે.વી.બાટી, મત્સ્યોદ્યોગ નિયામક શ્રી વી.કે.ગોહીલ, નાયબ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી પટ્ટણી, કિશોરભાઈ કુહાડા, કિરણભાઈ કોળી, રામકૃષ્ણભાઈ ટંડેલ સહિતના અગ્રણીઓ તેમજ સાગરખેડૂ પરિવારોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.


પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી