કવિ મનનો માલિક હોવો જોઈએ. ખરેખર ! જેણે મન જીત્યું તેને પ્રભુની સુષ્ટીનું રહસ્ય ખબર પડવી અશક્ય નથી. જ્યાં સુધી મન જીત્યું ન હોય અને માણસની ઇન્દ્રીયોનો ગુલામ હોય ત્યાં સુધી તેના માટે કવિ થવું કેવી રીતે શક્ય બને ?
કવિ વિશ્વપ્રેમથી રંગાયેલો હોવો જોઈએ. જેમ સમુદ્ર પોતાના પેટમાં બધી નદીઓને સમાવે છે. તેમ આખા બ્રહ્માંડને પોતાના પેટમાં સમાવવાવાળો અને પૂરા વિશ્વને પ્રેમથી ઢાંકવાવાળો વ્યાપક બુદ્ધિ રાખવાવાળો હોય તે કવિ.

તેવા એક કવિ એટલે ‘કવિ દાદ’ ચારણી સાહિત્યની ધારા આજે પણ જીવંત છે. નિરંતર રૂપે વહ્યા કરે છે. પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ તેને સમુદ્ધ કરીને લોકભોગ્ય બનાવી છે. એ પરંપરાને આગળ ધપાવતા એટલે “કવિ દાદ” ગીરના એક પંખીના માળા જેવા ઇશ્વરીયા ગામમાં તેનો થયો. કવિ નર્મદ જેમ પોતાના કવિત્વ માટે તાપી નદીને યશ આપે છે. એમ “દાદ” પણ હિરણ નદીને કાંઠે વીતેલાં પોતાની શૈશવની વાત કરતાં કરતાં મનોમન હિરણ્યતીર્થ પ્રદેશની યાત્રા કરી લે છે અને કહે છે. “મને કવિ બનાવ્યો આ હિરણ નદીએ” કન્યા વિદાય માટેના પર્યાય સમાન રચના ‘કાળજા કેરો કટકો’ ગુજરાત રાજ્ય સરકાર દ્ધારા પુરસ્કૃત થઈ છે. તો લોકકલા ક્ષેત્રેનો રાજ્ય સર્વોચ્ચ એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત તત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તત્કાલિન રાષ્ટ્રપતિ વી.વી ગીરી અને શારદાપીઠ શંકરાચાર્યજી દ્વારા કવિ દાદ પોંખાયા છે. કવિ દાદની ઘણી રચનાઓ લોકજીભે ચડેલી છે તેમાં,

“ધડ રે ઘીંગાણે જેનાં માથા રે
મસાણે એની ખાંભી થૈન મારે ખોડાવુ”
એના પાળિયા થૈ ન મારે પુજાવું
ઘડવૈયા મારે ઠોકરજી નથી થાઉ”
“આ ભૂમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે
હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે,
જાતે કમાણી કરીને ખાય ઈ આ સિંહની જાત,
ભુખ્યો રહે પણ ખડ નો ખાય ઈ આ સિંહની જાત..
ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો !
સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો.”
આવી ઘણી બધી રચનાઓ લોકજીભે ચડેલી છે. કવિ દાદના ઘણા પુસ્તકો પ્રસિદ્ધ છે. જેમાં ટેરના ભાગ 1, 2 અને 3, કૃષ્ણ છંદાવની વગેરે છે. કવિ પથ્થરમાંય પ્રેમ જૂએ છે, આવો પ્રેમ જો ન હોય, સુષ્ટી જોવાની ઉદાર બુદ્ધિ ન હોય અને કનક-કાન્તા સિવાય બીજે ઠેકાણે અને ખેંચાણ ન હોય તે માણસ કવિ કેમ થઈ શકે ? કવિ દાદ વિશ્વપ્રેમથી રંગાયેલી એક વ્યક્તિ જોવા મળે છે.
આવા વતન માટે, રાષ્ટ્ર માટે પોતાના ગામની ગાયો માટે અને બેન દીકરીની ઇજ્જત માટે સ્વાભિમાની રક્ષા માટે શહીદ થયેલા એ યુવાનોના પ્રતિકરૂપી પાળિયા (પથ્થર) જોઈને કવિદાદ પાળિયા સાથે વાત કરે છે.

“આજ પૂછુ તને પાળિયા રે… તારા દલડા કેરી વાત રે…
પાદરમાં કેમ ખોડાણાં….? સિંદૂરે કેમ રંગાણા…?
કવિ એ મુક પાળિયા માં વાચા મૂકે છે.
વાર ચઢી જે દિ ગામમાં રે.. અને બુંબીયા વાગ્યા ઢોલ રે..
ખાંડા ના ખેલ ખેલાણા… તેથી અમે આંઈ. ખોડાણાં…
(હે….કવિ, ગામ ઉપર જ્યારે આફત આવી.. ઘરે ઘરે થી ક્ષત્રિયો નિકળ્યા અઢાર વર્ષની મારી ઉંમર મારો બાપ પણ ધીંગાણામાં ખપી ગયેલો ઘરમાં હું એક જ મરદ હતો પણ ગામ ઉપર સંકટ આવે અને હું જો ઘરમાં બેસી રહુ તો ક્ષત્રિયાણીનું ધાવણ લાજે.. એટલે મારી માએ કીધું બેટા…જાવ…મારા ધાવણને ઉજળુ કરજે અને હું ધીંગાણામાં આવ્યો અને અહીં શહિદ થયો.. ત્યારથી અહીં ખોડાણો છું.. પણ કરૂણતાની ચરમ સીમા તો ત્યારે આવે છે
જ્યારે કવિ બીજો સવાલ કરે છે
કે સિંદૂરે કેમ રંગાયા…?
યુવાનનો પાળિયો બોલે છે.. હે કવિ..
જ્યારે મેં રણમેદાન તરફ ડગ દિધા ત્યારે નવી પરણીને આવેલી ક્ષત્રિયાણીએ મારા ભાલે કુમકુમ તિલક કર્યું અને કીધુ.

”મારજો કે મરજો પિયુ ન દેજો પિઠ લગાર..
નહીંતર સાહેલી. મેણા મારશે તું તો કાયર કેરી નાર
એ કોડ ભરેલી જેનિ હાથની મહેંદી પણ હજી સુકાણી નહોતી એના સેંથાનૂ જે સિંદૂર ભૂંસાયૂને એનો આ રંગ છે.
હવે ઝાઝું મને પૂંછમા રે…કવિ કરવા દે વિશ્રામ રે….
કરવા દે વિશ્રામ..
સેંથીના સિંદૂર ભૂંસાયા…તેથી અમે આંઈ રંગાણા.
આવા મહાન કવિ દાદુદાન ગઢવી એટલે કે દાદ બાપુએ આપણી વચ્ચેથી આજે વિદાય લીધી. દાદ બાપુના નિધનના સમાચારથી અનેક લોકોના હ્રદયને ધ્રાસકો પડ્યો છે. દાદ બાપુની રચનાઓ અમર છે અને વર્ષો વર્ષ આ ધરા પર ગુંજતી રહેશે ને ગવાતી રહેશે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ