
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાના અધ્યક્ષ સ્થાને, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે રજૂ કરવામાં આવેલા અંદાજે રુ. સાડા સાત કરોડના ૩૧૯ જેટલા વિકાસ કામો તેમજ તમામ નગરપાલિકા અંતર્ગત ૧ કરોડ ૨૮ લાખના ૧૬ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાએ વિવિધ વિભાગના સર્વે અધિકારીશ્રીઓને આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાનના એસ્ટીમેટને ટૂંક સમયમાં રજૂ કરી આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યુ હતું તેમજ લોકસુવિધા અને લોકસુખાકારીના હાથ ધરાયેલા કામો સત્વરે પૂર્ણ થાય તેમજ જિલ્લાના પ્રત્યેક તાલુકામાં સ્થાનિક કક્ષાના કામને પ્રાધાન્ય આપવા સૂચના આપવામાં આવી હતી અને અગાઉના વર્ષોના કામોની વિગતવાર સમીક્ષા કરી અને પ્રગતિ હેઠળનાં કામો પણ સત્વરે પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ આયોજન મંડળમાં મંજૂર થયેલ કામો સત્વરે હાથ ધરી સુચારૂ અને પદ્ધતિસર સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી તેમજ જિલ્લા આયોજન મંડળ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી લલીતભાઈ અમીને વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન રજૂ કર્યુ હતુ.

આ બેઠકમાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચૂડાસમા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીણા (IAS), અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ તાલુકા તથા નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિત સર્વે ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન