
ગીર સોમનાથમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રથમ તબક્કા માટે નામાંકન ફાઈનલ થઈ ગયા છે. આ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોએ પોતાના ગુનાહિત પૂર્વ ઇતિહાસની વિગતોને અખબાર અને ટીવી ચેનલ પર પ્રસિદ્ધ કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોએ પણ પોતાના પક્ષના ઉમેદવારોના ગુના અને કેસો અંગેની વિગતો સી-૨ ફોર્મમાં પ્રસિદ્ધ કરવી પડશે.
ચૂંટણીમાં મતદારો ઉમેદવારોને મત આપતા હોય છે અને તેઓને પોતે જેમને ચૂંટવા જઈ રહ્યા છે, તે ઉમેદવારો વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાનો હક્ક છે. ઉમેદવારો પોતાની સામેના ગુના અને કેસોની વિગતો ઉમેદવારી ફોર્મમાં ચૂંટણી અધિકારી સમક્ષ તો રજૂ કરતા જ હોય છે, પણ મતદારો પણ આ વિગતો જાણી શકે તે હેતુથી આ વખતે, ઉમેદવારો માટે પોતાની સામે નોંધાયેલા ગુના અને કેસોની વિગતો અખબાર અને ટીવી ચેનલોના માધ્યમથી ત્રણવાર પ્રસિદ્ધ કરવાનું ફરજિયાત બનાવાયું છે. જે મુજબ, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પછીથી આ માહિતી પ્રકાશિત કરવાનો તબક્કો શરૂ થાય છે.
ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોના ઉમેદવારોએ પોતાના ગુના અને કેસોની વિગતો તા. ૧૮થી ૨૧ નવેમ્બર વચ્ચેના દિવસો દરમિયાન, નિયત થયેલા સી-૧ ફોર્મમાં અખબાર અને ટીવી ચેનલ પર પ્રસિદ્ધ કરવાની રહેશે. એ પછી ૨૨થી ૨૫ નવેમ્બર વચ્ચેના દિવસોમાં અને છેલ્લે ૨૬થી ૨૯ નવેમ્બર વચ્ચેના દિવસોમાં પ્રસિદ્ધ કરવાની રહેશે. સી-૧, સી-૨ સહિતના ફોર્મ જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારી પાસેથી મળશે.
આ જાહેરખબરનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરાશે. જ્યારે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો માટે આપેલી આવી જાહેરખબરનો ખર્ચ પક્ષના ખાતે ઉમેરાશે. ખાસ નોંધનીય છે કે, રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ગુના વિશે માહિતી પ્રસિદ્ધ કરી હોય તો પણ, જે-તે પક્ષના ઉમેદવારે પોતે પણ પોતાના ગુનાઇત પૂર્વ ઇતિહાસની વિગતો અખબાર અને ટીવી પર પ્રસિદ્ધ કરવી ફરજિયાત છે. વળી, ગુના અંગેની વિગતો અખબાર અને ટીવી એમ બંને માધ્યમમાં પ્રસિદ્ધ કરવી એવી માર્ગદર્શિકા છે.
ઉમેદવારે પોતે ગુના અંગેની માહિતી પ્રસિદ્ધ કરી છે, તેની વિગતો સી-૪ ફોર્મમાં ભરીને ચૂંટણીખર્ચનો હિસાબ ફાઈલ કરતી વખતે રજૂ કરવાની રહેશે. રાજકીય પક્ષે સી-૫ ફોર્મમાં આ વિગતો પરિણામ જાહેર થયાના ૩૦ દિવસની અંદર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર ગુનાઇત પૂર્વ ઇતિહાસની માહિતી પ્રસિદ્ધ કરવા અંગે વિલંબ કે ચૂક કરશે તો ચૂંટણી અધિકારી તરફથી જે તે ઉમેદવારને નોટિસ પણ અપાશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી