
: શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર અને શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠિલા પ્રેરીત તા.૬-૧૦-૨૦૨૨ના રોજ જૂનાગઢ શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફળદુવાડી ખાતે સામાજીક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના આગેવાનોએ સંગઠનશક્તિથી એકતા અને એકતાથી રામરાજ્યનું સૂત્ર આપ્યું હતું અને ચૂંટણીમાં ગમે એવા પડકારનો સંગઠિત થઈ સામનો કરવા મહાસંમેલનમાં હુંકાર કર્યો હતો.
વર્તમાન સમયમાં આદ્યાત્મિક, શૈક્ષણિક, સામાજીક, આર્થિક, વેપાર-ઉદ્યોગ અને રાજકીય ક્ષેત્રે થઈ રહેલા ઝડપી ફેરફારો ધ્યાનમાં રાખતાં સમાજને સતત જાગૃત રાખવા તેમજ સમાજ ઝડપી પ્રગતિ સાધે એવો રોડમેપ તૈયાર કરવાના હેતુથી સામાજીક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે, શાબ્દિક સ્વાગત કરતા શ્રી વાલજીભાઈ ફળદુએ જણાવ્યું હતું કે, બન્ને મંદિરોની કારોબારી સાથે આ મહાસંમેલનનું આયોજન કરાયું છે. બન્ને મંદિર વચ્ચે સંકલન કરી અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તેમજ હાજર રહેલ મહાનુભાવો જે સંદેશ આપશે તેને અમે એક થઈને અનુસરીશું.
આ તકે પ્રાસંગિક પ્રવચન શ્રી નલીનીબહેન ચનીયારા, શ્રી મૌલિકભાઈ ઉકાણી, શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી નિલેશભાઈ ધુલેશિયા, માજીસાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પટેલે કર્યુ હતું. જેનો સંપૂર્ણ સાર અને વિશેષ માર્ગદર્શન આપતા સભાના અધ્યક્ષ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ શ્રી જેરામભાઈ વાંસજાળીયાએ સંગઠન શક્તિથી એક્તા આવે અને એકતાથી રામરાજ્ય પ્રસ્થાપિત થાય તેવો સંદેશ આપતાં આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજે આ પડકારનો સંગઠિત થઈને સામનો કરવો પડશે તેવું જણાવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમની સાથે જ પાટીદાર પરિવારે સાગર પટેલના સૂરની સાથે રાસની રમઝટ પણ બોલાવી હતી. જ્યારે અંતે આભારવિધિ માજી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીએ કરેલ હતી. જ્યારે આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી મંદિર(ગાંઠીલા) પ્રમુખ શ્રી વાલજીભાઈ ફળદુ ઉપરાંત અન્ય ટ્રસ્ટીગણ તથા સમાજ અને અન્ય સંસ્થાના આગેવાનો તેમજ રાજકીય આગેવાનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.
બેટી બચાવોનો સંદેશ આપી દીકરીને આપી અગ્રતા

આ મહાસંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના બેટી બચાવો અભિયાનનો સંદેશો આપતા પાટીદાર સમાજ દ્વારા જે પરિવારને એકમાત્ર દીકરી હોય તેવી અગિયાર દીકરીઓના વરદહસ્તે દીપ પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું હતું. આ જ બાળાઓએ સમગ્ર હોદ્દેદારોનું કુમકુમ તિલકથી તેમજ ફુલની પાંખડીઓથી સ્વાગત કર્યુ હતું. આ રીતે પાટીદાર પરિવારે દીકરી જન્મને વધાવવાનો સમગ્ર સમાજને લાગણીભર્યો સંદેશ આપ્યો હતો.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી