
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકીઓના જન્મથી લઈને તેમને આત્મનિર્ભર બનાવવા માટે તેમના ઉત્થાન માટે દરેક તબક્કે અનેક યોજનાઓ કાર્યરત છે ત્યારે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ યોજના અંતર્ગત ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ હેઠળ કિશોરીઓમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય માર્ગદર્શન મળે એ હેતુસર નગરપાલિકા કોમ્યુનિટી હોલ વેરાવળ ખાતે પૂર્ણામેળો યોજાયો હતો.
આ તકે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડીએ કહ્યું હતું કે, કિશોરીઓમાં જીવનના વિવિધ પાસાઓની સમજ તેમજ તેની જાગૃતિ કેળવાય તે ખૂબ જ જરૂરી છે. ઉપરાંત તેમણે કિશોરીઓ સાથે સરકારી યોજનાઓ અને તેના લાભ વિષે માહિતીની ચર્ચા કરી વધુમાં વધુ કિશોરીઓ અને મહિલાઓ આ તમામ યોજનાઓનો લાભ લે તેવી વિનંતી કરી હતી.

જ્યારે મેડિકલ ઓફિસરશ્રીએ કિશોરીઓના આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી તો સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા કિશોરીઓને સ્વબચાવની તાલીમ અને તેનું મહત્વ તેમજ ‘૧૮૧ અભયમ’ દ્વારા સુરક્ષા વગેરે વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી.
આ તકે ઉપસ્થિત એડવોકેટશ્રીએ મફત કાયદાકિય સહાય તથા કિશોરીઓને લગતા ચાઈલ્ડ મેરેજ એક્ટ, પોક્સો એક્ટ વગેરે વિશે કાયદાઓની જોગવાઈ વિશે ઉંડાણપૂર્વક સમજ આપી હતી. અંતે કાર્યક્રમમાં ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા થનાર કિશોરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

પૂર્ણામેળામાં પૂર્ણાશક્તિ તેમજ આંતરરાષ્ટ્રિય મિલેટ યર નિમિત્તે રાગી, બાજરા, જુવાર જેવા મિલેટ્સની પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને પોષણના મહત્વને અનુસરી ઘરની આસપાસ સારી રીતે કિચનગાર્ડન બનાવી શકાય તે વિશે સમજ આપવામાં આવી હતી. આ તકે તાલુકા તેમજ જિલ્લાના પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ, પંચાયતના સભ્યશ્રી, પ્રોગ્રામ અધિકારીશ્રી, આંગણવાડીની બહેનો તથા સીડીપીઓશ્રી તેમજ કિશોરીઓ અને તેમના વાલીઓની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન