September 30, 2022

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે હસ્તે સંઘ પ્રદેશ (દિવ)ખાતે વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરાયું

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે હસ્તે સંઘ પ્રદેશ (દિવ)ખાતે વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરાયું
Views: 24261
2 0

Share with:


Read Time:9 Minute, 54 Second

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે તેમના દીવના પ્રવાસ દરમિયાન પદ્મભૂષણ રમત ગમત સંકુલ ખાતે દીવ, દમણ અને દાનહ પ્રશાસનના ઉપક્રમે વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરી જાહેર સભાને સંબોધી હતી.

તે પૂર્વે તેઓ પશ્ચિમ કાઉન્સિલ અને ભાજપા પ્રદેશ કારોબારી સમિતિની બેઠકમાં સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાદમાં આઇ એન એસ ખુકરીનું સંગ્રહાલય તરીકે લોકાર્પણ કર્યું હતું. શ્રી અમિતભાઇ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના ગૃહમંત્રી બન્યા બાદ બાદ પ્રથમ વખત દીવ આવવાનું થયું અને દીવની થયેલી કાયા કલ્પ અત્યંત આનંદદાયક છે. તેઓએ કહ્યું કે આજે મળેલી પશ્ચિમ વિભાગની કાઉન્સિલ બેઠકમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રીઓએ દીવના વિકાસની મુક્ત મને પ્રશંસા કરી છે. આ બધા આયોજન બદ્ધ વિકાસના પરિણામો છે. પહેલા દિલ્હીથી અહીં સુધી આવતી યોજનાઓ નબળી પડી જતી હતી પરંતુ કેન્દ્રમાં ભાજપના શાસન બાદ તમામ યોજનાઓ શત પ્રતિશત લાગુ થાય છે અને તેના માધ્યમથી પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલે વિકાસનો ધોધ અહીં પહોંચાડયો છે.

શ્રી શાહે ઓસિયન ડે નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ દિવસે ત્રણ વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યો હતો સમુદ્રી જીવન પ્રત્યે જાગરૂકતા, ટાપુ સ્વચ્છ બનાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો સમગ્ર વિશ્વમાં દીવમાં આ કાર્ય થયું તે માટે દીવ પ્રશાસન અને પ્રજાજનો અભિનંદનને પાત્ર છે. તેઓએ ગૌરવભેર કહ્યું કે સમગ્ર દેશમાં એકમાત્ર દીવ શત પ્રતિશત રીન્યુએબલ એનર્જીથી ચાલી રહ્યું છે તે બાબત અભિનંદનને પાત્ર છે.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે હસ્તે સંઘ પ્રદેશ (દિવ)ખાતે વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરાયું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમામ સંઘ પ્રદેશ માં પણ ભારત સરકાર ની તમામ યોજનાઓ લાગૂ થાય તેવું લક્ષ્ય રાખ્યું અને શ્રી પ્રફુલભાઈ પટેલે આ બાબતને જમીન પર ઉતારી જેને પરિણામે ૪૦ કરોડના ખર્ચે દીવ ઘોઘલા વચ્ચે કેબલ કાર, ૮ કરોડના ખર્ચે સ્માર્ટ સિટી મિશન, ૫ કરોડના ખર્ચે દીવ કિલ્લાની બહાર પબ્લિક પ્લાઝા, બસ ટર્મિનલ નો વિકાસ, દીવના પ્રવેશ દ્વાર પર સુંદર સ્મારક સહિતની કુલ ૮૦ કરોડના ખર્ચે વિભિન્ન વિકાસ પરિયોજનાઓ આકાર લેવા જઈ રહી છે. શ્રી શાહે કહ્યું કે સ્વદેશી નિર્મિત યુધ્ધ જહાજ આઇ એન એસ ખુકરીનું સંગ્રહાલયમાં રૂપાંતરણના માધ્યમથી દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવાનો વિનમ્ર પ્રયાસ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે.

આ સંગ્રહાલય દેશભક્તિ અને દેશ દાઝને પ્રજ્વલિત રાખશે સાથે સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકોને નૌ સેના ઇતિહાસની પણ જાણકારી મળશે અને આકર્ષણનું કેન્દ્ર બનશે.તેઓએ સર્વે નાગરિકોને આ સંગ્રહાલયની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રથમ પાંચ વર્ષ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અને બાદમાં કેબિનેટ મંત્રી તરીકેની તક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી જેને પરિણામે શ્રી મોદીજીને નજીકથી જોવાનો મોકો મળ્યો.

તેમની દૂરંદેશી અને મક્કમ નિર્ધારથી ભારત જ નહિ પણ સમગ્ર વિશ્વ અભિભુત બન્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતનું સન્માન આજે વિશ્વમાં પુનઃ અવ્વલ નંબરે પ્રસ્થાપિત થયું છે. શિક્ષણ, ઉદ્યોગ, ગ્રામીણ, શહેરી, પર્વતો કે સાગર કાંઠાની વિકાસ ગાથા હોય કે સ્વાસ્થ્ય યોજનાઓ, સર્જીકલ અને એર સ્ટ્રાઇક દ્વારા દુશ્મન દેશોને સબક શીખવવાનું દરેક ક્ષેત્રે શ્રી મોદીજીએ ભારતને ગૌરવ અપાવ્યું છે. શ્રી શાહે કહ્યું કે ૧૩૦ કરોડ નાગરિકોને નિશુલ્ક કોરોના રસી અને ત્વરિત તેનું સર્ટિફિકેટ પ્રક્રિયા વિશ્વના અનેક દેશોને અચંબામાં નાખ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ઑક્સિજનની ખપત એકાએક વધી ગઈ તો પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માત્ર દોઢ મહિનામાં ઑક્સિજન નું ઉત્પાદન ૧૦ ગણું થાય તેવી અને ભવિષ્યમાં પણ આ મુશ્કેલી ઊભી ન થાય તેવી વ્યવસ્થાઓ ઉભી કરી. પીએમ કેર યોજના ના માધ્યમથી દરેક ગામમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરીને તેઓને સ્વાવલંબી બનાવાયા છે.

તેઓએ ઈન સ્પેસ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ ઉદ્ઘાટન વખતે ૧૩ જેટલા સ્ટાર્ટ અપ સાથે ૨૫ થી ૩૦ વર્ષના યુવાનો મોજૂદ હતાં તેમને વૈશ્વિક મંચ પ્રદાન કરવાનું કાર્ય શ્રી મોદીજીએ કર્યું છે. શ્રી શાહે ખેલો ઇન્ડિયાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પ શક્તિના પરિણામે આજે દેશમાં એક આગવું સ્પોર્ટ્સ કલ્ચર વિકસી રહ્યું છે. કોચિઝની વ્યવસ્થા, આધુનિક સ્પોર્ટ્સ સુવિધાઓ અને ખેલાડીઓના પારદર્શક ચયનના માધ્યમથી હવે એ દિવસો પણ દૂર નથી કે જ્યારે દેશ ઓલમ્પિકમાં પણ મેડલ ટેલીમાં એક થી પાંચ નંબર પર હશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેનાનું પણ આધુનિકીકરણ કર્યું ઉપરાંત દેશમાં જ સેનાં માટેના ટેન્ક, ગોળા અને હથિયાર નિર્મિત થાય તે પ્રકારે આયોજન કર્યા છે. શ્રી શાહે જણાવ્યું કે સંઘ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠલ અઢી લાખ થી વધુ લોકોને નિશુલ્ક પાંચ કિલો અનાજ, શહેરી ગ્રામીણ લોકો માટે આવાસ, ૨૫ હજાર ઘરોમાં નલ સે જલ, ૨૦ હજાર થી વધુ શૌચાલયો, ૧૫ હજાર ખેડૂતોને ૨૨૯ કરોડ રૂપિયાની સહાય, ૪૫૮૧ લોકોને ૧૧૦ કરોડની મુદ્રા લોન દ્વારા લોકોના જીવન ધોરણ ને બદલવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. કોંગ્રેસે તેના ૫૮ વર્ષના શાસન માં ગરીબી નહિ પણ ગરીબોને હટાવવાનું કાર્ય કર્યું જ્યારે શ્રી મોદીજીએ ગરીબી દૂર થાય તે દીશામાં એકનિષ્ઠ પ્રયાસો કર્યા છે. શ્રી શાહે જણાવ્યું કે આદિવાસી વિદ્યાર્થીઓને મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સહાય, સંઘ પ્રદેશમાં હોમ સ્ટે, બીચ સ્ટે અને વોટર સ્પોર્ટ્સ માટેની પોલિસી તૈયાર કરી સંઘ પ્રદેશ ની ઉન્નતિ અને પર્યટન નું મુખ્ય કેન્દ્ર બનવાના દ્વાર ખોલ્યાં છે.

શ્રી શાહે અંતમાં સંઘ પ્રદેશમાં થઈ રહેલા વિકાસ કાર્યો માટે આનંદ વ્યક્ત કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલ અને સમગ્ર પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગામી ૨૫ વર્ષોમાં દેશ ક્યાં હશે તેનો રોડમેપ તૈયાર કર્યો છે , ૨૦૨૪ માં પણ શ્રી મોદીજીના નેતૃત્વમાં ભાજપા સરકાર બને અને આપણો દેશ વિશ્વમાં સર્વોચ્ય સ્થાને બિરાજે તે માટે સર્વેને એકજૂટ પ્રયત્નો કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમોમાં તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગોવાના મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાવંતજી, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી હર્ષભાઈ સંઘવી, દિવ, દમણ, અને દાનહના પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલ, સાંસદ શ્રી લાલુભાઇ ટંડેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સદસ્યશ્રીઓ, ભાજપાના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: