Sorath Ni Dharohar

News Channel of India

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી  ભારતીબેન પવાર અને રાજ્યના કૃષિ, પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ બાંધવો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી  ભારતીબેન પવાર અને રાજ્યના કૃષિ, પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ બાંધવો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ અંતર્ગત તમિલ ભગિની – બાંધવોનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ડૉ.ભારતી પ્રવીણ પવાર,  ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ  મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી, ડૉ. ભારતીબેન પવારે જણાવ્યું હતું કે, સોમનાથની ધરતી પર થયેલા આક્રમણો બાદ અહીં વસતા લોકોને ભારે હૃદયે વિસ્થાપન કરવું પડ્યું હશે. સૌરાષ્ટ્રીય તમિલ બાંધવોએ સદીઓ વીતી ગઈ હોવા છતાં પોતાના રીતરિવાજમાં સૌરાષ્ટ્રને ધબકતું રાખ્યું છે. ખાનપાન, ભાષા, સંસ્કૃતિની વિભિન્નતાઓ વચ્ચે પણ સૌરાષ્ટ્ર અને તમિલના આ સંગમના કેન્દ્રમાં વડાપ્રધાશ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો ભાવ છે. આ કાર્યક્રમના આયોજન બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું.

     તેમણે પોતાના પ્રવચન દરમિયાન જાણીતા કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની કવિતાનો સંદર્ભ આપી અને વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો હતો. દેશી રજવાડાઓના એકીકરણ કરનારા લોહપુરુષશ્રી સરદાર વલ્લભભાઈને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, આઝાદી બાદ આ ક્ષેત્રના ૨૨૨ દેશી રજવાડાઓનો કાઠિયાવાડ, સૌરાષ્ટ્રની ધરા પર વિલય કર્યો હતો. આ કાર્યક્રમ અનેક સદીઓ બાદ સોમનાથની પાવન ભૂમિ પર બે સંસ્કૃતિઓનો સંગમ છે. આપણે સૌએ અમૃતકાળમાં એકતાના સંકલ્પ સાથે આગળ વધવાનું છે. યુવાનો માટે આ કાર્યક્રમ ઈતિહાસને ઉજાગર કરવાની તક છે. સોમનાથ અને રામેશ્વરમનો દ્વાદશ જ્યોતિર્લિંગ શ્લોકમાં સમન્વય જોવા મળે છે, જે સૌરાષ્ટ્ર અંને તમિલનાડુનું એક પ્રકારે સંગમ છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ આ સાથે વસુધૈવ કુટુંમ્બકમના સૂત્રને ચરિતાર્થ કરવા વિવિધતામાં એકતા અને સૌને સાથે લઈને ચાલવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી  ભારતીબેન પવાર અને રાજ્યના કૃષિ, પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ બાંધવો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

       ભારતની ગરિમા વિશે વાત કરતા તેમણે ઉમેર્યુ હતું કે, કોરોનાકાળમાં રસીકરણ હોય કે વિશ્વના જરુરિયાતમંદ દેશોને દવા પહોંચડવાનું કામ હોય કે વૈશ્વિક સંઘર્ષમાં ચાવીરુપ સમાધાનની ભૂમિકા હોય, ભારત આ સદીમાં આશાનું કિરણ બનીને ઉભરી રહ્યું છે. કાર્યક્રમના અંતે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ.ભારતી બેન પવારે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’નું સૂરમય પઠન કરતા તમિલ બાંધવો મંત્રમુગ્ધ બન્યા હતા.

       પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલએ સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોને આવકારતા કહ્યુ હતુ કે, આ કાર્યક્રમ દ્વારા તમિલથી આવેલા બાંધવોને ફરીથી તેમના સૌરાષ્ટ્રવાસી હોવાની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. વર્ષો જૂના સંબંધોને પુનર્જીવિત કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત સશક્ત ભારત” ની નેમને સાર્થક કરી છે. રાષ્ટ્રની અખંડિતતાને જાળવવા અને તેના સંવર્ધન હેતુ દરેક સંસ્કૃતિના આદાન-પ્રદાન સાથે ભારત માતાના સંતાન સૌ એક છે ની ભાવના અહીં તાદૃશ્ય થઇ રહી છે. મંત્રીશ્રી પટેલે, સંસ્કૃતિના જોડાણ થકી એકત્વના ભાવને યાદ કરતા માધવપુરના મેળા દ્વારા ઉત્તરપૂર્વીય રાજ્યોનું ગુજરાત સાથેના સાંસ્કૃતિક જોડાણનું ઉદાહરણ આપ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, હું પણ સૌરાષ્ટ્રનો છું ત્યારે જાણે હું મારા બાંધવોને આવકારી રહ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.

       સૌરાષ્ટ્રથી વિસ્થાપિત થવા છતાં પોતાની સંસ્કૃતિ, વારસા, રીત રિવાજો, કાર્ય પ્રણાલીને જાળવીને સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયએ દેશની સાંસ્કૃતિક-આર્થિક ઉન્નતિમાં યોગદાન આપ્યું છે. ત્યારે સમગ્ર ભારતમાં ભાઈચારાની ભાવના વધુ ગાઢ બને અને ભારત સર્વ વિકસિત દેશ બની પરમ વૈભવના શિખર પર બિરાજે તેવી આશા પણ મંત્રીશ્રીએ આ તકે વ્યક્ત કરી હતી.

      કાર્યક્રમમાં નેતાઓ અને લોકો વચ્ચે ઓપન સેશન યોજવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સમુદાય દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સંયોજન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ શ્રી ડૉ. પંકજરાય પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમ સંબંધિત તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

       આ તકે પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, નાયબ દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, તાલાળાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ બારડ, સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબેન વાજા, અગ્રણીશ્રીઓ મહેન્દ્રભાઈ પિઠીયા, શ્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા કલેકટર શ્રી એચ. કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી લલિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી  ભારતીબેન પવાર અને રાજ્યના કૃષિ, પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ બાંધવો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો