
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે. જેના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય ખાદ્ય અન્ન સુરક્ષા મિશન-ન્યૂટ્રી સીરિયલ યોજના હેઠળ ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો મિલેટ ઉત્સવ યોજાયો હતો.
આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-૨૦૨૩ને એક જનઆંદોલનના રૂપમાં લઈ સામાન્ય રીતે ગૌણ જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મૂલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય વગેરેમાં સકારાત્મક પરિવર્તન આવે એવો પ્રયત્ન કર્યો છે ઉપરાંત મિલેટ્સ ધાન્યો એનિમિયા તથા કુપોષણ દુર કરવામાં મદદ કરે છે. આમ આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં થતા રોગો સામે રક્ષણ પૂરું પાડી શરીરના સંતુલિત વિકાસમાં મિલેટ્સ ખૂબ મદદરૂપ થાય છે.

ખેતીવાડી શાખા દ્વારા વિવિધ ૧૦ સ્ટોલ વડે કૃષિ પ્રદર્શની પણ યોજવામાં આવી હતી. તેમજ મહાનુભાવો દ્વારા પ્રગતિશિલ ખેડૂતોને શાલ ઓઢાડી અને મિલેટ્સ સ્પર્ધા વિજેતા આંગણવાડીના બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. મહાનુભાવો તેમજ ઉપસ્થિત સર્વેએ જિલ્લા માહિતી ખાતા દ્વારા તૈયાર કરેલી પ્રગતિશીલ ખેડૂતની સાફલ્યગાથા પણ નિહાળી હતી.

જિલ્લા કક્ષાના મિલેટ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે મિલેટ (તૃણધાન્ય) પાકની પાક પદ્ધતિ, મિલેટ પાકોના મૂલ્યવર્ધન તેમજ પોષણ અને આરોગ્યમાં મહત્વ બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના નિષ્ણાંતો મનીષભાઈ બલદાણીયા તેમજ રમેશભાઈ રાઠોડ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુમાં વધુ મિલેટ્સમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ બને એ માટે શ્રીમતી હંસાબહેન પટેલ દ્વારા ઉપસ્થિત મહિલાઓને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે નાયબ ખેતી નિયામક શ્રી ડી.એચ.ગઢિયાએ પ્રાસંગિક રૂપરેખા આપી હતી તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સંજય રાવે કર્યુ હતું. આ તકે, જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ.જી.લાલવાણી, જૂનાગઢ સંયુક્ત ખેતી નિયામક શ્રી એસ.કે.જોશી તેમજ નાયબ ખેતી નિયામક શ્રી એમ.એમ.કાસુંદ્રા સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડિનારના વૈજ્ઞાનિકો, કૃષિ વિષયક નિષ્ણાંતો અને તાલાલા, વેરાવળ અને સુત્રાપાડાના ખેડૂતોની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી.

ગીર સોમનાથમાં કાજલી ખાતે યોજાયેલા મિલેટ મહોત્સવની ખાસ વાત એ રહી હતી કે મહાનુભાવોનું સ્વાગત જાડાધાન્ય પાકોના ઉમેરા સાથે ખાસ તૈયાર કરેલા પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ પરંપરાગત મિલેટ (તૃણધાન્ય)ની બનેલ વાનગીઓ જેવી કે, રાગીના ભૂંગળા, રાજગરાનો શીરો, જુવારની ખીચડી, બાજરાના રોટલા જેવી પોષકતત્વોથી ભરપૂર વાનગીઓનું મધુર ભોજન ગ્રહણ કર્યું હતું. ઉપરાંત જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલે ઉપસ્થિત સર્વેને રોજબરોજના આહારમાં પોષણયુક્ત મિલેટ્સની અવનવી વાનગીઓનો સમાવેશ કરવા માટે અપીલ કરી હતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન